About Us
મહાતીર્થ કાયાવરોહણનો સંક્ષિપ્ત ઇતિહાસ
કાયાવરોહણ ભારત વર્ષનું પુરાણ પ્રસિધ્ધ મહાતીર્થ છે અને ગુજરાતના કાશી તરીકે પ્રસિધ્ધ છે. આ પવિત્ર તીર્થની ગણના ભારતના અડસઠ મહાતીર્થોમાં કરવામાં આવેલી છે. આમ તો આ મહાતીર્થ ચારેય યુગોમાં પ્રસિધ્ધ રહ્યું છે. "ગણકારિકા" ગ્રંથમાં (જે શિવપુરાણમાં સમાવિષ્ટ ગણાય છે.) "કાયાવરોહણ મહાત્મ્ય" ના ચાર અધ્યાયજોવા મળે છે. જેમાં ચોથા અધ્યાયમાં કહ્યું છે કે આ તીર્થ
" सर्व पापं हरं पुण्यं श्रीमद कायवरोहणम् ।
कायवरोहणे तीर्थे मूर्तिमान शंकर: स्वयंम् ।। ”
આ તીર્થનું નામ સતયુગમાં ઇચ્છાપુરી, ત્રેતાયુગમાં માયાપુરી, દ્વાપરયુગમાં મેઘાવતી અને કળીયુગમાં કાયાવરોહણ રહ્યું છે.
શિવપુરાણની "શતરુદ્ર સંહિતામાં ભગવાન શિવજી સ્વયં બ્રહ્માજીને કહે છે કે "વરાહ કલ્પના સાતમા વૈવસ્વ્ત મનવંતરમાં ૨૮માં દ્વાપરમાં હું મારી યોગમાયાના પ્રભાવથી બ્રહ્મચારીનું શરીરઘારણ કરીને પ્રગટ થઇશ અને આ શરીરનું નામ "લકુલીશ" હશે. મારા આ કાયાવતારની ભૂમિ ઉત્કૂષ્ટ સિધ્ધક્ષેત્ર કહેવાશે અને જ્યાં સુધી પ્રુથ્વી કાયમ રહેશે ત્યાં સુધી ત્રણે લોકમાં પરમ વિખ્યાત રહેશે. એ અવતારમાં પણ મારા ચાર તપસ્વી શિષ્યો કુશિક, ગર્ગ, મિત્ર અને કૌરુષ્ય હશે. એ વેદોના પારગામી ઉર્ધ્વરેતા બ્રહ્મ યોગી થશે અને મહેશ્વર યોગને પ્રાપ્ત કરીને શિવલોકને પામશે" એ જ આ ભૂમિ કાયાવરોહણ છે. ભગવાન લકુલીશના અવતાર દરમ્યાન ભારતના બારેય જ્યોર્તિર્લિંગનું લગભગ આઠસો વર્ષ પૂર્વે કાયાવરોહણ થી સંચાલન થતું હતું આ સમયમાં તે ભારતનું ખુબજ મહત્વનું તીર્થસ્થાન ગણાતું હતું. આ પવિત્ર તીર્થમં ઘણાજ મંદિરો, તપોવનો, ગ્રંથાલયો, મઠો, પાઠશાળાઓ, ગૌશાળાઓ, નંદીશાળાઓ, ધર્મશાળાઓ, અન્નક્ષેત્રો, ઔષધાલયો, સત્સંગ ભવનો, વિગેરે હતાં. આ તીર્થ ખૂબજ વિશાળ હતુ. આ મહાતીર્થ મહર્ષિ વિશ્વામિત્ર, ભૂગુ, અત્રિ, દુર્વાશા, જેવા ઋષિઓની તપો ભૂમિ છે. આ તીર્થ "સિધ્ધ" ક્ષેત્ર છે. તેમજ માતા-સતીનો ખભો આ ભૂમિ પર પડ્યો હોવાથી "શક્તિપીઠ" તરીકે પણ જાણીતુ છે. મહર્ષિ વિશ્વામિત્ર એ આ ભૂમિ પર ગાયત્રી મંત્રનું આર્ષ દર્શન કર્યુ હતું. આ સિધ્ધક્ષેત્રમાં ૐ, ગાયત્રી, અને રામ મંત્રનો જપ કરવામાં આવે તો તેનું ફળ ત્વરીત મળે છે.
ભગવાન લકુલીશજી એ જે કાર્ય માટે અવતાર ધારણ કર્યો હતો તે અવતાર કાર્ય પૂર્ણ થતા તેઓ પોતાના ચાર શિષ્યોની ઉપસ્થિતીમાં ધ્યાનસ્થ થઇ ગયા. તેમનું સ્થુળ સ્વરૂપ તેજોમય બની અને જ્યોતિ સ્વરૂપે બ્રહ્મેશ્વરના લિંગના અગ્રભાગમાં મૂર્તિ રૂપે પ્રતિષ્ઠિત થઇ ગયું. ભગવાન લકુલીશજીના અવતાર દરમ્યાન અને ત્યારબાદ તેમના ચાર શિષ્યો દ્વારા વિશ્વમાં ચારે દિશામાં ભ્રમણ કરીને શિવ ધર્મ, શિવ ભક્તિ અને માહેશ્વેર યોગનો પ્રચાર-પ્રસાર કર્યો. આ સમય ભારતીય સંસ્ક્રૃતિ અને સનાતન ધર્મનો સુવર્ણકાળ રહયો હતો.
બ્રહ્મેશ્વરના લિંગના સ્વયં ભૂ ભૂગર્ભમાંથી પ્રગટ થયા તેના ઇતિહાસની વાત કરીએ તો આ કાયાવરોહણ નગરીમાં ભલાભાઇ નામના ખેડૂત કે જેઓ વડીલોપાર્જિત વારસામાં મળેલ સ્વ. શ્રી હીરાભાઇ શામળભાઇ પટેલની જમીનમાં ખેતી કરતા હતા. એક દિવસ તેઓ નિત્યક્રમ મુજબ હળ લઇને ખેતરમાં ખેડ કરવા માટે હળ ચલાવી રહ્યા હતા તે દરમ્યાન ખેતરના એક ભાગમાં તેમનું હળ અચાનક અટકી જાય છે ઘણા પ્રયત્નો કર્યા પણ હળ આગળ જતું ન હોવાથી ભલાભાઇ ને જાણે કોઇ સંકેત થયો હોય તેમ તેઓ હળ જ્યાં અટકી ગયું હતું ત્યાં આવીને ભલાભાઇ ધ્યાનથી દ્રૂષ્ટિ કરી ત્યાં તેમણે એક અત્યંત મનોહર બ્રહ્મેશ્વર ભગવાનની મૂર્તિ સ્વરૂપના દર્શન થયા ભલાભાઇના આનંદનો પાર ન રહ્યો આમ પણ તેઓ શિવ-ભક્ત હોવાથી અત્યંત ભાવ-વિભોર થઇ જાય છે. અને ગામમાં જઇને સર્વે ગામજનોને સ્વ.શ્રી હીરાભાઇ શામળભાઇના ખેતરમાં બનેલ ઘટનાની જાણ કરે છે. આ વાત જાણીને સર્વે ગામજનોને આ ખેતરમાં આવીને ખૂબજ કાળજી પૂર્વક જમીનમાં દટાયેલ ભગવાન શ્રી બ્રહ્મેશ્વરના લિંગને બહાર લાવીને ઢોલ-નગારા ને ભજન મંડળીઓ સાથે "ૐ નમઃ શિવાય " ના મંત્રોચ્ચાર સાથે ગામમાં લઇ આવે છે. ત્યારબાદ ગામમાં આવેલ હજારો વર્ષ જુના શિવાલયમાં આ "ભગવાન લકુલીશજી" ની મૂર્તિ સ્વરૂપ લિંગની પ્રાણ-પ્રતિષ્ઠા પછી આ શિવાલયનું નામકરણ કરવામાં આવ્યું "શ્રી રાજરાજેશ્વર મહાદેવ" આ મહાદેવે દરેક પૂર્ણિમાએ મેળો ભરાતો હતો.
ભગવાન લકુલીશે તથા વિશ્વામિત્ર ઋષિએ સ્વામીશ્રી કૃપાલ્વાનંદજી (બાપુજી) ને સાક્ષાત દર્શન આપી આ મહાતીર્થના પુનરુધ્ધાર કરવા માટેનો આદેશ આપ્યો હતો. જે આદેસનુસાર યોગાચાર્ય સ્વામીશ્રી કૃપાલ્વાનંદજી એ "શ્રી કાયાવરોહણ તીર્થ સેવા સમાજ" ની સ્થાપના કરી આ કાર્યનો શુભારંભ કર્યો. તા.૨૯/૧૧/૧૯૬૮ ના દિવસે "૧૦૦૮ પૂજ્યપાદ શ્રી દ્વારકા પીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્યજીએ બ્રહ્મેશ્વર યોગ મંદિરની શિલાન્યાસ વિધિ કરી અને તેમના જ કરકમલો દ્વારા નવીન ભવ્યમંદિરમાં તા.૦૩/૦૫/૧૯૭૪ ના રોજ ભગવાન બ્રહ્મેશ્વરના જ્યોતિર્લિંગની પ્રાણ-પ્રતિષ્ઠા પૂર્ણ કરવામાં આવી. આ મહાતીર્થના પુનરુધ્ધારના કાર્ય માટે શ્રી હીરાભાઇ શામળભાઇ પટેલ પરિવારનું પણ ખુબ મહત્વનું યોગદાન હતું. સ્વામીશ્રી કૃપાલ્વાનંદજીની પ્રેરણાથી શ્રી કાયાવરોહણ તીર્થ સેવા સમાજે યોગ અને અધ્યાત્મ વિદ્યાના પ્રચાર-પ્રસાર દ્વારા સનાતન સંસ્ક્રૃતિના પુનુરુત્થાન તેમજ માનવ કલ્યાણની પ્રવ્રૂતિઓને મુખ્ય ઉદેશ બનાવ્યો છે. જેમાં બ્રહ્મેશ્વર ભગવાનના મંદિરમાં જ્યોતિર્લિંગની પૂજા-અર્ચના માટે સુંદર સ્થાયી વ્યવસ્થા કરી છે. સંસ્ક્રૃતિના ઉત્થાન અને જ્ઞાનના પ્રચાર માટે અહીં "શ્રીલકુલીશ યોગ વિદ્યાલય" ચલાવવામાં આવે છે. જેમાં કોઇ જાતિ, ધર્મ કે વર્ણભેદ વિના નિશુલ્ક યોગ શિક્ષણ આપવામાં આવે છે. આદ્યાત્મિક માર્ગદર્શન માટેના પુસ્તકોનું પ્રકાશન પણ કરવામાં આવે છે. શ્રી કાયવરોહણ તીર્થ સેવા સમાજ અંતર્ગત વર્ષ 1985 થી શ્રી ડાહ્યાભાઈ હીરાભાઈ પટેલ રૂરલ વોકેશનલ ટેકનિકલ ટ્રેનિંગ ઇન્સ્ટીટ્યુટ (I.T.I.) ની સ્થાપના કરવામાં આવી છે કે જયાં જુદા જુદા ટ્રેડ જેવા કે કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ અસિસ્ટેન્ટ (COPA) ફિટર, ઈલેક્ટ્રીશિયન, ડ્રોફ્ટ્સમેન સિવિલ, વાયરમેન, વેલ્ડર તથા સી.એન.સી. મશીનની શિક્ષા યુવાનો તથા યુવતીઓને ને આપવામા આવે છે. ભગવાન બ્રહ્મેશ્વરના દર્શનાર્થે આવતા ગુજરાત તેમજ અન્ય રાજ્યોથી પધારતા ભક્તો માટે રાત્રી-રોકાણ માટે અતિથિગૃહની વ્યવસ્થા છે. મંદિરની બાજુમાં વિશાળ યજ્ઞશાળા પણ આવેલ છે. જેમાં વેદોક્ત અને પુરાણોક્ત મંત્રો દ્વારા યજ્ઞ તેમજ ધાર્મિકવિધિ કરવામાં આવે છે. નિશુલ્ક ભોજનની વ્યવસ્થા માટે અન્નપૂર્ણા પણ ચલાવવામાં આવે છે. આ સિવાય મહાશિવરાત્રીના દિવસે રાત્રીની ચાર-પ્રહર પૂજા માટે ખુબજ સુંદર આયોજન કરવામાં આવે છે.
સાંપ્રતકાળમાં યોગવિદ્યા તેમજ સનાતન ધર્મના પુનઃ પ્રસારણ હેતુ ભગવાન લકુલીશજી એ એક નવી આધ્યાત્મિક પરંપરાની શરૂઆત કરી છે આ કલાતીત ઇશ્વરીય વિભૂતિ દ્વારા સન - ૧૯૩૧ માં સ્વામી શ્રી કૃપાલ્વાનંદજીને યોગદીક્ષા પ્રાપ્ત થઇ. તેમણે ભગવાન લકુલીશજીના આદેશ મુજબ ભગવાન બ્રહ્મેશ્વરના જ્યોતિર્લિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરી તીર્થના પુનરુધ્ધારનું કાર્ય પૂર્ણ કર્યું હ્તું. પછી સ્વામી શ્રી કૃપાલ્વાનંદજીએ પ્રાચીન ભારતીય સંસ્ક્રૃતિના પુનરુત્થાનનું કાર્ય શરૂ કર્યું. તા.૨૯/૧૨/૧૯૮૧ ના રોજ તેઓ મહાસમાધિમાં બ્રહ્મલીન થયા ત્યાં સુધી તેમણે આ કાર્ય નિષ્ઠાપૂર્વક કર્યું. ત્યારબાદ તેમના શિષ્ય બ્રહ્મલીન શ્રી રાજર્ષિ મુનીજી દ્વારા આ ભારતીય સનાતન સંસ્ક્રૃતિના પુનરુધ્ધાનનું કાર્ય અવિરત પણે ચાલતું રહ્યું. જે આજે પણ બ્રહ્મલીનશ્રી રાજર્ષિ મુનીજીના શિષ્યો દ્વારા પૂર્ણ નિષ્ઠાથી સનાતન સંસ્કૃતિના પુંનરુધ્ધાન નું કાર્ય ચાલે છે.